એક ગીત
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી .....
ઐ દરિયા ઉપર ઓલા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઉડયા
ને જાત મ્હાલી એવી તો ભાઈ મ્હાલી
નાના હતા ને તૈ ઉંબરા ટપ્યાં પછે ફળિયા ટપ્યાં
ને પછે ડેલી ટપ્યાં ને પછે નદીયું ટપ્યાં ને પછે દરિયો ટપટા તો
ભાઈ ગલઢા થયા ને પછે જૂનૂ મકાન કર્યું ખાલી
એવું તો ભાઈ ખાલી ....
પછે ભમરીયા ઘૂનામાં ન્હાવા પડયા
પછે પાણીનો રંગ મૂને લાગી ગિયો
પછે દોરી ઉપર ભીના લૂગડાંની જેમ મને સૂકવી દીધો
સાવ સૂકવી દીધો ....
પછે હરિયાની ઓસરીમાં પિંજરો બેઠો પછે રૂથી ભરાઈ જતા કોરા આકાશમાં સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને આગ લાગી
એવી તો ભાઈ લાગી
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી
અનિલ જોશી