નારી ચોવીસા
**********
નારી તું નારાયણી તારો જયજયકાર,
તું તો ઘરની દીવડી ગુણ તણો ભંડાર.
શીલ,ક્ષમા ને શાણપણ સદ્ગુણોની ખાણ,
એમ ચમકતી તું રહે જેમ ચમકતો ભાણ.
સીતા-તારા-દ્રૌપદી જેવું જીવી જાય,
સોનેરી ઇતિહાસમાં એનું નામ લખાય.
માતા-બહેની-દીકરી-પત્નીનું લઈ રૂપ,
એમ જલાવે જાતને જેમ જલે છે ધૂપ.
દીકરી થઈ અવતરે; દેવી થઈ પૂજાય,
જે ઘર જાતી સાસરે એ ઘર મંદિર થાય.
દુઃખમાં ભેરૂડો બને; તડકે બનતી છાંય,
નારી તારા રૂપની કેટકેટલી ઝાંય.
ડોકે શોભે હાંસડી; હૈયે શોભે હાર,
તુલસી ક્યારે શોભતી એવી ઘરની નાર.
નારી રસની વાદળી વરસે અનરાધાર
નારી વગરનો વાંઝીયો સૂનો આ સંસાર.
છૈયાનું સુખ વાંછતી; ખવડાવીને ખાય,
'ખમ્મા' 'ખમ્મા' બોલતી અડધી અડધી થાય.
દુઃખમાં સમતા રાખતી ધરતી જેવી ધીર,
ત્રણ ત્રણ કુળને તારતી એકલપંડે વીર.
બેઠા કાગળ-દોત લઈ ચતુર કરે વિચાર,
કેમ કરીને આપવો નાર તણો ચિતાર.
તન-મન ઉજળા રાખતી મીઠા બોલે બોલ
નારીના મૂલ હોય ના નારી તો અનમોલ.
-પારુલ ખખ્ખર