એ રસ્તે... / અશોક ચાવડા 'બેદિલ'
એ રસ્તે જ્યાં ગુલમહોરની કંઈ ડાળખી તૂટી;
એ રસ્તે જ્યાં કોઈ કારણસર સાથ ગયો'તો ખૂટી;
એ રસ્તે હું ચાલ્યો પાછો જ્યાં તું હાથથી છૂટી.
એ રસ્તે જો હજીય સડકો ફરે લઈને લૂ;
એ રસ્તે જો હજીય તડકો મને અડીને છૂ;
એ રસ્તે જો હજીય આછી જોવા મળતી તું;
એ રસ્તે ક્યાં થાકે આંગળી એક નામને ઘૂંટી.
એ રસ્તે જે રસ્તે ક્યારેક બેઉ હતાં પ્રવાસી;
એ રસ્તે મન-ચરણે ખૂંચે સ્મરણોની કપાસી;
એ રસ્તે રસ્તામાં મળતી છાની એક ઉદાસી;
એ રસ્તે જ્યાં કાચ સરીખી કૈક લાગણી ફૂટી.
એ રસ્તે ચલ ફરી બેઉ અજાણ થઈને મળીએ;
એ રસ્તે ચલ ફરી બેઉ ઝીણાં થઈ ઝળહળીએ;
એ રસ્તે ચલ ફરી બેઉ મૌન રહી સાંભળીએ;
એ રસ્તે ચલ ફરી ખોળીએ સમય ગયો જે લૂંટી.
(તને સખી કહું કે...?, ગીતસંગ્રહ, પ્રકાશ્ય)