ચાલને આજ તો બસ ચાલતા જઈએ,
જે મળે એ બધાને વાંચતા જઈએ.
એ અકસ્માતમાં રસ્તાને વાગ્યું છે,
ચાલ એની ખબર પણ કાઢતા જઈએ.
ઝાડવાં તો ધરા પર ખૂબ રોપ્યાં છે,
લે હવે વ્હાલ થોડું વાવતા જઈએ.
સાવ સુના રણે તો કાનમાં કીધું ,
કો'ક દિન આ તરફ પણ આવતા જઈએ.
જિંદગીના ઉનાળે કામ લાગે ભૈ,
છાંયડાઓને ગજવે રાખતા જઈએ.
આખરે તો પનારો છે જ છે કુદરત,
કયાં સુધી આમ દર દર ભાગતા જઈએ?
-'શિલ્પી' બુરેઠા (કચ્છ)