બની છે પાંગળી સચ્ચાઈ કેવળ જૂઠ ચાલે છે
આ દુનિયા દંભના માથે થઈ આરૂઢ ચાલે છે
કહો છે પાપ, કોઈ! લાગણીની ભૃણ હત્યાનું ?
સમજના નામ પર સંબંધમાં પણ લૂંટ ચાલે છે
નથી જેવો બની એવો, છળે છે જાતને જાતે
અહીં એવો જ માણસ ચોતરફ ભરપૂર ચાલે છે
રહે પીતળ સદા પીતળ, ભલે ચમકે કનક જેવું
ટકે ના આગ સામે, કેમ કે ત્યાં શુધ્ધ ચાલે છે
બધા સારપ અને સંસ્કાર પણ નિર્મૂલ્ય થઈ રહેતાં
હજી પણ પેટની હો વાત ત્યાં બસ ભૂખ ચાલે છે
ઉપર કાગળ ચમકતો હોય તો ભીતર જુએ છે કોણ?
ભલે નબળો હશે એ માલ તો પણ ધૂમ ચાલે છે
અહીં સૌના હ્રદયમાં રામ ને રાવણ રહે સાથે
બધાની ભીતરે તેથી નિરંતર યુધ્ધ ચાલે છે
કિરણ 'રોશન'