આપણે એટલે મન વિના માળવે જઇ ચડેલા બધા,
આપણે એટલે ક્યાંક ને ક્યાંક ખુદને નડેલા બધા.
આપણે એટલે માર્ગભૂલ્યા મુસાફર સૂની વાટના,
આપણે એટલે ઘોર જંગલ વિશે આથડેલા બધા.
આપણે એટલે માનવી આમતો મેદનીના છતાં,
આપણે એટલે શુદ્ધ એકાંતમાં જઇ રડેલા બધા.
આપણે એટલે કોઈ ના જે ઉકેલી શક્યું એ લિપિ,
આપણે એટલે દાખલા ના કદી આવડેલા બધા.
આપણે એટલે બસ ઘડી બે ઘડીની સજાવટ અહીં,
આપણે એટલે રેતના શિલ્પ જેવા ઘડેલા બધા.
'આતુર'