હું જેના આશરે પહોંચ્યો હતો દાતાર સમજીને.
એ મોં સંતાડવા લાગ્યો મને નાદાર સમજીને.
ન સમજી એની મજબૂરી તમે ઇનકાર કરવાની
ને એને બેવફા સમજી લીધો ઇનકાર સમજીને.
કહે છે પાંગળાઓ એના દર્શન પામી દોડે છે
ઝલક બસ એક બે આપો મને બીમાર સમજીને.
છતાં રેલાઈ છે એમાંથી દિલકશ સૂરની ધારા.
જો દુઃખતી નસ કોઈ છેડે છે વીણા તાર સમજીને
જીવનને જીવવાની લાલસા પણ ઓસરી જાશે
ફકત આ ખોખલા જીવનનો અધ્યાહાર સમજીને.
ખુમારીથી જીવું છું હું હજારો યાતનામાં પણ.
કરે છે ભાવ મારો દુનિયા ધંધાદાર સમજીને.
હકીકતમાં તમારું સ્થાન ત્યાં હોતું નથી કૈં પણ.
તમે જીવ્યા કરો છો જેને ઘર સંસાર સમજીને.
અમે 'મહેબુબ' જે આંખો મહીં જોઈતી મજબૂરી.
વ્હાવ્યા એણે અશ્રુઓ ને બસ હથિયાર સમજીને.
મહેબુબ સોનાલિયા #Kavyotasav -2