રવિવારની રમૂજ (JCB વિશેષ)
ઘોર ખોદી નાખવી છે જંપવું નથી,
ખાતરી તો રાખવી છે જંપવું નથી.
અખતરો તો એક પણ બાકી રહે ના,
કાળજી પણ દાખવી છે જંપવું નથી.
નાચવું ફાવી ગયું છે અમને બધે,
આબરૂ ક્યાં ઢાંકવી છે જંપવું નથી.
જો કરી લીધા ચહેરા પણ અમે બે ,
બંને બાજુ સાચવી છે જંપવું નથી.
રોજ સરસ્વતી ને સ્મરું પ્રાર્થનામાં,
સ્થાને લક્ષ્મી સ્થાપવી છે જંપવું નથી.
માપ તારાં જૂનવાણી થઇ ગયાં છે,
એક પટ્ટી માપવી છે જંપવું નથી.
ચોતરફ જોયા કરો તે કેમ ચાલે ?
આંખ કીકી ટાંકવી છે જંપવું નથી.
હારતોરા ફુલ ગજરા છે સજાવ્યા,
બસ નનામી કાઢવી છે જંપવું નથી.
ચાલશે ના દાખલા કોઈ દલીલો,
જીદ લીધી આગવી છે જંપવું નથી.
દાજી