ધુમાડો ભરીને ચલમમાં મૂકી દો,
કહે મન એ સઘળું અમલમાં મૂકી દો !
આ મત્લાઓ પાછાં દઈદો ખુદાને,
આ શબ્દોને પાછાં કલમમાં મૂકી દો.
હથેળીમાં લઇલો તમારી નજરને,
ને બે-ચાર પાંપણ વજનમાં મૂકી દો !
આ સપનાઓ પલળી ગયાં, ધ્યાન રાખો !
જરા બ્હાર એને પવનમાં મૂકી દો.
જરા હાથ આપો, કરો બંધ આંખો,
એ શું કે બધુંયે શરમમાં મૂકી દો !
બધાં કાંકરાઓને કાઢીલો બારા,
ફરી કાગડાને તરસમાં મૂકી દો !
'નિનાદ' ત્યાં દવાની જરૂરત ન પડશે,
આ માણસને એના વતનમાં મૂકી દો.
- નિનાદ અધ્યારુ