‘ગનુભાઈની ચા’ નો રિવ્યુ-જિગીષા રાજ
ગયા અઠવાડિયે જ એક નવો પ્રયોગ જોવા મળ્યો ‘ગનુભાઈની ચા’ ની કીટલીએ. મને શી ખબર કે હું નાટક જોવા નથી જતી પણ કીટલી કલ્ચર જોવા જઈ રહી છું!
રંગમ થિયેટરના કલાકારો દ્વારા રજૂ થયેલ નાટક તમને ભારતની કોઈ પણ કીટલીની યાદ અપાવી દે. એક થી એક ચઢિયાતા પાત્રો અને સાથે જ સામાજિક પ્રશ્નોથી શરૂ કરી દેશ વિદેશની વાતો અને ટાઢા પહોરના ગપ્પા તમને અહીં કીટલીએ મળી જાય.
દરેક કલાકાર જાણે પાત્રને ઘોળીને પી ગયો હશે એ દિવસે ચા સાથે. શરૂઆત થોડી ધીમી હતી, પણ અંત સુધી પહોંચતા અને જે રીતે અંતનો વિસ્ફોટ થયો છે, એ આખી ઘટના તમને નજર સામે જ બનતી રોજેરોજ દેખાય છે, પણ કદાચ આપણે આવી વાતોને અવગણીએ છીએ અને પછી એના ભયંકર પરિણામ ભોગવી છીએ. ચાની કીટલીથી શરૂ થયેલ સંવાદ અને ઘટનાઓ એક પછી એક આકાર લે છે અને એમાં ક્યાંય કોઈ કચાશ રહેતી નથી.
સુરાકાકા એટ્લે કીટલીનું એ જીવંત પાત્ર કે તમે એમના વિનાની કીટલી કલ્પી જ ના શકો અને આજકાલના જમાનામાં ઉધારની જિંદગી જીવતો કોલજીયન અને એમાંય પાછો પ્રેમની ઠોકર ખાધેલો યુવાન દરેક કિટલીએ તમને જોવા મળી જશે. અને આળસુના પીરને તો તમે ભૂલી જ ના શકો એના પ્રયોગો અને એના લાંબા લાંબા વર્ણનોના કારણે! ગનુભાઈ પોતે પણ એક અનોખુ પાત્ર છે. જેને પોતાની કીટલી ચલાવવા સિવાય અન્ય કોઈ વાતા ખાસ રસ નથી. પણ એની ચા અને કીટલી જ તો ઘટનાનું ઉદભવબિંદુ બને છે. સાથે જ મીડિયા અને અસ્મિતા પણ કટાક્ષમાં જે રીતે ભાગ ભજવે છે એ કાબિલે દાદ છે.
દરેક પાત્રના મુખે બોલાયેલા ડાયલોગ આપણા સમાજની ધોરી નસ એટ્લે કે મધ્યમવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રેક્ષક આપમેળે જ કોઈ પણ પાત્ર સાથે પોતાની આસપાસના એકાદ પાત્ર સાથે તો અનુસંધાન કેળવી જ શકે એટલું ગહન પાત્રચિત્રણ ઉપસ્યું છે.
માફકસરની લાઇટ્સ અને ટાઇમસરનું સંગીત નાટકને એક નવી જ આભા આપે છે.
લગભગ નવા નવા કલાકારો સ્ટેજ પર પોતાનો કસાબ અજમાવે ત્યારે થોડી ઘણી કચાશ રહી જાય. જે દરેક જગ્યાએ હોય જ. અહીં પણ નાની નાની અમુક બાબતો પર ધ્યાન આપવા જેવુ ખરું. પણ સમય મુજબ એ બધુ પણ ઘડાઈ જ જશે એવી આશા સાથે શ્રી પ્રશાંત તરુણ જાદવ અને સમગ્ર રંગમ થિયેટર ટીમને અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
--જિગીષા રાજ
-ઈ-મેઈલ: jigisharaj78@gmail.com