શ્રીજીમહારાજ બોલ્યા જે,” અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે,’માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકારમાત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુકતનો જે આકાર તે પુરૂષના જેવો દ્વિભુજ છે ને સચ્ચિનંદારૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન તે જેતે તે મુક્ત પુરૂષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરૂષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરૂષોતમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરૂષોત્તમભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરૂષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છેને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાનના જે પૂર્વે ધણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”
|| શ્રી ગઢડા અંત્ય પ્રકરણમ્ ||૩૮||