*"પેટોવ્યથા"*
તમે કહો ઈ કરૂં માનતા
કરૂં ચઢાવો, ભેંટ
એક જ મારી અરજી પ્રભુજી !
ઓછું કરી દ્યો પેટ..
કેશપે કિરપા કલરે કીધી
ચાંદી છાની છપ્પ
મૅનિક્યોર ને પૅડીક્યોર સંગ
ચહેરેપે મૅકઅપ
કેમ કરી સ્વીકારી લઉં
પ્રેગનેન્સી પરમેનૅન્ટ..!
એક જ મારી અરજી પ્રભુજી !
ઓછું કરી દ્યો પેટ...
જ્યારે જ્યારે જોઉં આયનો
મનડું બહુ મૂંઝાય
મુખને બદલે નજરૂં સીધી
ફાંદે જઈ મંડાય
વધતી માળી બેટી જાણે
જીએસટી ને વેટ
એક જ મારી અરજી પ્રભુજી!
ઓછું કરી દ્યો પેટ...
પંજાબી, ચાઈનીઝ કે પીઝા
હાથે ના અડકાડું
ખાંડ - તેલ ને ઘી પણ છોડ્યા
છોડી દીધું વાળુ
હવે કહો તો છોડી દઉં
વાપરવું ઈન્ટરનેટ
એક જ મારી અરજી પ્રભુજી!
ઓછું કરી દ્યો પેટ...
જોખમમાં મૂકાયું કેવું
સાજન સંગ સગપણ
જ્યારે ત્યારે ઊભી કરતું
આલિંગનમાં અડચણ
વ્હાલમ વળગે એવું લાગે
જાણે આભડછેટ
એક જ મારી અરજી પ્રભુજી!
ઓછું કરી દ્યો પેટ..
તમારે શી ચિંતા ભગવન્
સિક્સ પૅક ફોટામાં
અહીં તો નીકળે દમ અમારો
કચરા ને પોતામાં
જિમે જઈ જઈ થાક્યા તો યે
સાવ ન થાતું ફ્લૅટ
એક જ મારી અરજી પ્રભુજી!
ઓછું કરી દ્યો પેટ...
નજરે ચડતી સુંદર કો'
માનુની આસપાસ
બાઝી જાતો ડૂમો કેવો
અંદર ખેંચી શ્વાસ
મારૂં ચાલે તો મૂકું
એના પર પેપરવૅટ
એક જ મારી અરજી પ્રભુજી!
ઓછું કરી દ્યો પેટ...
તમે કહો ઈ કરૂં માનતા
કરૂં ચઢાવો - ભેંટ
એક જ મારી અરજી પ્રભુજી!
ઓછું કરી દ્યો પેટ...?