સૌ પોતપોતાની સર્વિસે ચાલ્યા ગયા. નાનકડી સ્નેહાને ગાડીવાળા ભાઈ કે.જી.સ્કૂલથી ઘરે મૂકી ગયા. આજે બપોરે પણ જમવામાં કાલ રાતની ઠંડી ખીચડી જોઈ જરા પણ મોં બગડ્યા વિના સ્નેહાના દાદાએ તે જમી લીધી. સ્નેહા સાથે રમતા તે સહજ જ બોલી,"દાદા, આ 'ઓલ્ડ હોમ' શું હોય? કાલે રાતે પપ્પા તમને ત્યાં મોકલવા કહેતા હતા..!" આંખમાં ઝળહળીયા સાથે વૃદ્ધ દયાળજીભાઈ પૌત્રી સ્નેહાને છેલ્લી વાર ગળે લગાડી, ચૂપચાપ ઘર બહાર નીકળી ગયા...!