સાંભળવું એટલે સંભાળવું?
તમે કાચના ગ્લાસ તૂટવાનો કે કપ તૂટવાનો અવાજ સાંભળ્યો હશે, વીજળી કડકાવાનો અવાજ પણ સાંભળ્યો જ હશે, કોયલનો ટહુકો, પથ્થર પર હથોડાથી થતો ઘા, ટ્રાફીકમાં ફસાયેલા વાહનોની ચિચિયારીઓ, બાળકોનો કોલાહલ સાંભળ્યો જ હશે...એટલે કે તમે સાંભળી શકો છો! અભિનંદન તમે બહેરા નથી!
હવે થોડુંક આગળ વિચારો... જો તમે થોડુંક ઝીણું કાંતવામાં માનનાર હશો તો તમને ખિસકોલીનો અવાજ પણ સંભળાયો હશે, એની મેળે ચાલું અને બંધ થઈ જતો ફ્રિઝનો અવાજ સંભળાયો હશે, વહેલી સવારે દૂર મંદિરમાં વાગતી ઘંટડી સંભળાઈ હશે, રાત્રે ઠઠરતા ગલૂડિયાંના ઉંહકારા સંભળાયા હશે, મુ... મુ...કરીને એની માને શોધતાં વાછરડાને તમે સાંભળ્યો હશે, દિવાલ પર ફરતી ગરોળીનો અવાજ, મગફળી ફૂટીને એમાંથી દાણો બહાર આવે ત્યારે થતો અવાજ, કાગળ ઉડવાનો અવાજ પણ તમે સાંભળી શકતા હોઉં તો ખૂબ ધન્યવાદ તમે સંવેદનશીલ માણસ છો..???
હજી થોડાક વધારે આગળ જઈએ,
રસ્તમાં પડેલા ભિખારીને કોઈ પેટમાં એક મારી દે કે ભૂખ્યા બાળકના લંબાવેલા હાથમાં વસ્તુ આપવાને બદલે કોઈ નસીબવંત એની તરફ ખાવાનું છૂટું ફેંકે ત્યારે એ બાળકના કે એ ભિખારીના ચહેરા પર ટપકતી લાચારી તમને સંભળાય છે?
પતંગ, ફટાકડા, મીઠાઈ કે ચોકલેટ તરફ લાલચૂં નજરે જોઈ રહેલાં, તમારી જ આસપાસના વિસ્તારમાં કામ કરતાં નાના છોકરાઓને એ લાલચુ નજર છુપાવવા ખોટેખોટું હસતા જોઈને તમને એમના દિલમાં રહેલા અભાવ સંભળાય છે?
મજબૂરીમાં લોકોના અડપલાં કે ગંદી નજરનો ભોગ બનતી લાચાર સ્ત્રી કંઈ બોલ્યા વગર ચૂપચાપ બધું સહન કરી લેતી હોય ત્યારે એની ચુપ્પી પાછળનો કકળાટ તમને સંભળાય છે?
તમારા ગજવાની હેંસિયત જોઈને તમારે તમારા માબાપની જરૂરિયાતો પર કાપ મૂકવો પડે અને એ લોકો કહી દે, “વાંધો નહિ અમારે ચાલશે!" ત્યારે એમના વૃધ્ધ ચહેરા પરની સળોમાં થતો સળવળાટ તમને સંભળાય છે?
તમારાં પ્રિયજનની આંખમાંથી તમારાથી છુપાવીને વહાવાતા આંસુઓનો અવાજ મૌનની દિવાલ ભેદીને તમારા કાનો સુંધી પહોંચે છે?
જો આ બધા સવાલોનો જવાબ “હા” હોય તો અભિનંદન તમે હજી જીવો છો, મરી નથી ગયા! શ્વાસ ગતિમાન હોય એ જ જીવન નથી, સંવેદના વગરનો બૂઠો માણસ કેવી રીતે જીવતો હશે એ આપણે વિચારવું પણ નથી, આપણે વિચારવાનું છે આ જે અવાજ સંભળાઈ રહ્યા છે એને સંભાળવા કઈ રીતે!
આવું તો ઘણું બધું હશે જે તમે મહેશુસ કરતા હો...જીવંત વ્યક્તિ મહેસૂસ કરે પણ ખાલી જીવવું એજ તો આપણી જિંદગીનો મકસદ નથી! બહુ દૂર જવાની જરૂર નથી બસ, તમારી આસપાસના લોકોના મનમાં રહેલા, વ્યક્ત ન થઈ શકે એવા અવાજને સાંભળો અને એમને સંભાળી લો...સાચું કહું છું દોસ્ત જિંદગી મજાની લાગવા માંડશે..??
Merry Christmas ?
©Niyati Kapadia.