#મને_મારુ_બાળપણ_યાદ_આવ્યું .......
કેટ કેટલી યાદો અને કેટ કેટલા સપનાં બાળપણ ના સાચવી ને બેઠા,
આંબલી પીપળી, સંતાકૂકડી, પકડદાવ ને ઘરઘર જાણે જોજનો દૂર જઈને વસી ગયા,
કોણ લાવે હવે એને પાછું ?
કોણ હવે રમવાને આવે એ બધું ?
આજના બાળકોને આ બધી રમતો જાણે કાલ્પનિક હોય એવી લાગે,
એમને તો ભણવામાંથી જ ફુરસ્ત ક્યાં ?
ખરેખર એ સમય ખુબ અનોખો હતો.
આપણને કેટ કેટલો સમય એ બધું રમવા, બહુ જ આસાનીથી મળી રહેતો !
શનિવારની અડધી રજા અને રવિવાર નો આખ્ખો દાડો, એય ને ધમાલ મસ્તી જામતી.
કેરી બોર ને આંબલી જેવા ફળ ખાવા કઈ કેટલાય ખેતરા ખૂંદી વળતા, અને એય પાછા વગર જૂતીયે.
ના કાળા પાડવાની ચિંતા, ના કાંટા વાગવાની, ખરા બાપોરમાં પણ ગીલી ડંડાની રમત માં આવતું પદું હરખભેર સ્વીકારી લેતા.
કોઈવાર ફળિયાની છોકરીઓ સાથે લંગડી અને કૂકા રમવાની એ ક્ષણો આંખો સામે તાજી થઇ જાય છે.
બા એ આપેલી પાવલીમાં પાંચ મોસંબી વાળી ગોળીઓ આવતી, આજે પણ એ યાદ કરતા ખાટો મીઠો સ્વાદ જીભ પર ફરી વળે.
અને મેળામાં મ્હાલવા જવાની એ પળો તો કેમ ભૂલાય! પપ્પા એ આપેલા પાંચ રૂપિયામાં આખો મેળો ખરીદી લાવ્યો નો આનંદ આવે.
આજે ખિસ્સામાં પાંચ હજાર પડ્યા હોય તો પણ એ ખુશીઓ ખરીદી નથી શકાતી.
આજે બેસીને વિચાર કરીયે એ બાળપણનો તો ઘણું બધું યાદ આવી જાય, કેટકેટલાય ભુલાયેલા મિત્રો, સખીઓ, રમતો, બધું ક્યાં હવે પાછું આવે, આજે તો એને યાદ કરી ને માત્ર એનો વસવસો જ કરી શકાય.
આજે મને મારુ બાળપણ ફરી યાદ આવ્યું, બહુ જલ્દી મોટો થઇ ગયો હોય એવું લાગ્યું.
#નીરવ_પટેલ
#શ્યામ