આજે ઓનલાઈન જન્મ દિવસની અઢળક શુભકામનાઓ વચ્ચે મારી જાત ને હું ભરી ભરી અનુભવી રહ્યો હતો... આજના દિવસે કોઈ પ્લાનિંગ નહોતું, માટે બપોર રિવરફ્રન્ટ ઉપર એકલા વિતાવવાની નક્કી કરી. ઘણો એવો સમય એકલા બેસી રહેવાની મઝા આવી, પોતાની જાત સાથેના કેટલાક સંવાદો, કેટલાક નિર્ણયો ઉપર વધુ મક્કમ થવા માટે વિચાર્યું, સવારે જ એક અંગત વ્યક્તિ સાથે વાતમાં એને જણાવ્યું કે 'હવે ઉંમરનું એકવર્ષ વધી ગયું છે, હવે મેચ્યોરિટીમાં થોડો વધારો થવો જોઈએ.' સાચી વાત છે એની... લગભગ અડધી જિંદગી વિતાવી દીધી છે, હજુ તો ઘણું બધું મેળવવાનું છે, ઘણો સંઘર્ષ કરવાનો બાકી છે.
હવે થી હું મારા લક્ષ પ્રત્યે વધુ સજાગ બનવા માંગુ છું, જે અત્યાર સુધી થઈ નથી શક્યું એ તરફ હું આગળ વધવા માંગુ છું, મારા સપનાં મારી જાતે પુરા કરવાના છે, મારે પણ મારું એક સફળ વ્યક્તિત્વ બનાવવું છે, મારુ જીવન માત્ર ઓનલાઈન સફળતા પૂરતું નથી, ઓફલાઇન પણ મારી જાત ને હું એક શિખર સુધી પહોંચાડવા માંગુ છું, આજે ઓનલાઈન મળેલી અઢળક શુભકામનાઓ મારા શબ્દોના કારણે મને મળી છે, કાલે કદાચ એ શબ્દો મારી પાસે ના પણ હોય.. અને ત્યારે આ શુભકામનાઓ પણ ના હોય..
દરેક પરિસ્થિતિ માટે મારી જાતને હું તૈયાર રાખવા માંગુ છું, આવતી કાલનો સૂરજ મારી પ્રગતિની રાહમાં ઉગવાનો છે, એવું માની હું એ તરફ આગળ વધીશ. એવો સંકલ્પ આજના દિવસે હું કરું છું..