*મારી લાડો ક્યાંય જતી નહિ*

મમ્મી સફાળી જ જાગી ગઈ,
ગભરાઈ ને બૂમ મારી,
મારી લાડો... ક્યાં છે તું?
ક્યાંય જતી નહિ.
કોઈ વિજાતીય મિત્ર બનાવતી નહિ..
બનાવે તો નજીક જતી નહિ ...
સંભાળજે...
મારી લાડો ક્યાંય જતી નહિ..!

હજી તું નાજુક નમણી છે,
વિચારોમાંય કુમળી છે!
કોઈ સહાધ્યાયી પ્રેમ કરી બેસશે..
તું દોસ્તી સમજશે ને એ વહેમ કરી બેસશે..
તારી દીદીની જેમ તારી ગરદન નથી વહેરાવવી ..
એકતરફી વહેણમાં નૈયા નથી ડુબાડવી...
એટલે જ કહું છું..
મારી લાડો તું ક્યાંય જતી નહિ!

લોકો જોતાં રહી જશે,
વીડિયો બનાવતાં થઈ જશે!
જાનથી તું તારી જઈશ,
ખાનદાનમાં તું અકારી થઈશ!
થોડાં દિવસો સમાચારે રહીશ!
હું તો રડતી જ રહી જઈશ..!
એટલે જ કહું છું...
મારી લાડો તું ક્યાંય જતી નહિ..

એને સજા ભલે વર્ષે થાય..
ભલે પછી એ જીવથી જાય..
એનાં મા-બાપનું હૈયુય વલોવાયને!
આંસુડાંનાં તોરણ તો ત્યાંય દેખાયને!
કેવો પ્રેમ ને કેવી હશે એ વાત!
જ્યાં જીવ સટોસટની બાજી ખેલાય!
તું એ બધાંથી દૂર રહી શકે ને..
એટલે જ કહું છું...
મારી લાડો તું ક્યાંય જતી નહિ!

ભલે રહી હું બીકણ નાર,
સૌને કહેતાં ન આવે પાર..
પહેલાં હું 'મા' છું ને!
કાળજાનો એક કટકો ગુમાવ્યો છે,
બીજીવારની હિંમત લાવવી ક્યાંથી?!
એટલે જ કહું છું..
મારી લાડો તું ક્યાંય જતી નહિ..

કુંતલ ભટ્ટ"કુલ"
સુરત

Gujarati Poem by Kuntal Bhatt : 111827355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now