“દૂધ કરતા કૂળમાં તાકાત છુપાયેલી છે.”

એકવાર સિંહણ અને સિંહ ને વાદ થયો. સિંહણ કહે કે: ‘આપણા બાળ હાથીના કુંભસ્થળ તોડી નાખે તે મારા દુધનો પ્રતાપ છે. ‘
સિંહ કહે : ગાંડી થામાં એ તો ખાનદાની ને જાતિનો પ્રતાપ છે.
એમાં એક વખત એક શિયાળનું બચ્ચુ હાથ આવ્યું. સિંહ કહે : જો તારા દૂધનો પ્રતાપ હોય તો આ બચ્ચાને ધવરાવીને મોટું કર.
સિંહણ તો દિવસરાત શિયાળના બચ્ચાને ધવરાવવા લાગી, પોતાનું બચ્ચુ ભૂખ્યું રહે પણ શિયાળના બચ્ચાને વધારે ધવડાવે.
એક વરસ થયું ત્યાં તો શિયાળિયો ફાટયો, આકાશ ખાઉં કે પાતાળ ખાઉં ! જેને જુએ તેની સામે વટ જ કરે, સિંહ તો બેઠો બેઠો બધું જોયા કરે અને સિંહણની છાતી ગજગજ ફુલે.
સિંહના બચ્ચાને દુધની તાણ પડી તે શરીર ઉપર પુરા રૂંવાડાયે નથી આવ્યા જાણે ખહુરિયા જેવું લાગે.
એક દિવસ મોકો જોઈને સિંહ કહે: “આજે આ હાથીના ટોળામાં છેલ્લે મોટો હાથી છે તેનો શિકાર કરવો છે, તો તારા શિયાળીયાને કહે કે હાથીને પાડે”
સિંહણે શિયાળીયાને બીરદાવ્યો: જો જે હો, મારુ દુધ ન લાજે, માર્ય પેલા હાથીડાને !
શિયાળીયો તો ભાથામાંથી તીર છૂટે એમ છૂટયો, હાથીને ફરતે સાત આંટા માર્યા વિચાર કર્યો કે બટકું કયાં ભરવું ? છેવટે હાથીની પૂંછડીએ ચોંટયો, હાથીએ સૂંઢ ફેરવીને શિયાળીયાને કેડમાંથી પકડયોને આકાશમાં ફગાવ્યો કે આવ્યો ઘરરરર કરતો હેઠો, નીચે પડયો ત્યારે જમીન હારે એવો ચોંટી ગયો કે તાવીથેથી ઉખેડવો પડયો.
સિંહે પોતાના બચ્ચાને હાકલ કરી, લથડીયા લેતો સિંહબાળ ઉઠયો, પૂંછડી ઝટકી જયાં ડણક દીધી ત્યાં તો હાથીના ઢોલ જેવડા પોદળા પડવા માંડયા, એ તો કુદયો પીઠ માથે પાછલા પગની ભીંસ દીધી જોતજોતામાં ડોકે બાઝી ગયો. પાંચ મીનિટમાં ખેલ ખલાસ. મોટો ડુંગરો પડે તેમ હાથી ફસડાઈ પડયો. સિંહણ ઝંખવાઈ ગઈને સિંહ પોરહાણો અને સિંહણને કીધું કે: “દૂધ કરતા કૂળમાં તાકાત છુપાયેલી છે.”
એક પૌરાણીક દંતકથા
“વંદે વસુંધરા”

“હરિયલ ઘેર ના હોય ને જેના ફળિયા માં કુંજર ફરે;
પછી વય ની વાત્તું ના હોય કેસર બચા ને કાગડા ..”

અર્થાત..

મોટો સિંહ ઘરે ના હોય ને ફળિયા માં હાથી આવે પછી ઉમર ની વાત કર્યાં વિના બચું સીધું કુભાસ્થાલ પર તરાપ મારે…🦁

Gujarati Motivational by RajniKant H.Joshi : 111739140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now