સભ્યતાના ભારેખમ બંધનને દુર કરીને મુક્ત મને સ્વૈર વિહાર કરવાનો દિવસ એટલે ‘હોળી’. અતિ બંધનોમાં અટવાયેલો ને અકળાયેલો માણસ અતિ મુક્તતાને હંમેશા ઝંખતો હોય છે. વસંતના વધામણામાં પોતાના મનને ખુલ્લું મુકીને દુનિયા સમક્ષ ‘ખુલ્લી કિતાબ’ બનવાનો પ્રયત્ન કરે છે. હોળીના અવનવા રંગોને લઈને આવતો ફાગણીયો જીવનના એક ના એક રંગોમાંથી મુક્ત કરીને નવજીવનનો સંદેશ આપી જાય છે. ભારતીય સંસ્કૃતિ જ એક એવી સંસ્કૃતિ છે જેમાં વ્યક્તિને ઉત્સવોના મસ્તીભર્યા માહોલમાં મશગુલ થઈને વિહરવાની સ્વતંત્રતા મળી રહે છે. અગ્રેજીમાં સંસ્કૃતિ માટે બે શબ્દો બહુ પ્રચલિત છે અને વપરાય છે, Civilization અને Culture. “Our civilization is what we use and our culture is what we live.” આપના પ્રતીકો એ ઉત્સવોને સભ્યતા કરતા સંસ્કારો જોડે ગાઢ સંબંધ છે. સંસ્કાર સર્જનમાં સંસ્કૃતિક ઉત્સવોનો ફાળો અતિ પ્રસંશનીય અને મહત્વનો છે.