સોરઠી સંતો દાના ભગત (વીસામણ ભગત, ગીગા ભગત) જન્મમૃત્યુ સંવત-૧૭૮૪સંવત-૧૮૭૮ પાંચાળને ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર આણંદપર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે. જાદરો તો પીર ગણાતા, દુ:ખીયાં, અપંગ, આંધળાં, વાંઝીયાં, તમામ આવીને એની દુવા માગતાં. એમાં એક કાઠીઆણી, માથે ગૂઢું મલીર ઓઢેલું, બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો, અને આપાની પાસે આવી ઉભી રહી. ભગતે પડખે બેઠેલાઓને પુછ્યું કે “આ બોન કોણ છે ભાઇ !” “બાપુ, કાળા ખાચરને ઘેરેથી આઇ છે. કાળા ખાચર દેવ થઇ ગયા છે, ને સત્તર વરસ થયાં આઇ આ છોકરાને ઉછેરે છે.” “તે છોકરાને દોરે છે કાં ” “બાપુ, છોકરાને બેય આંખે જન્મથી અંધાપો છે.” “છોકરાનું નામ ” “નામ દાનો.” વાંચો, ઝવેરચંદ મેઘાણી