અમારી સોસાયટીમાં રહેતાં એક ભાઈ થોડા દિવસ પહેલાં જ મુંબઈથી અમદાવાદ આવતા હતાં, ત્યારે ટ્રેનમાં એમની બેગ ચોરાઇ ગઈ. એમને જરા ઝોકું આવ્યું, એમાં કોક મોરલો કળા કરી ગયો. એ બેગમાં એમની બેંકની ચેકબુક, પોતાનું ક્રેડિટ કાર્ડ, થોડાંક અગત્યના પેપર્સ, છોકરાંઓ માટે લીધેલી મીઠાઇનું બોક્સ અને પત્નીની વર્ષગાંઠ પર આપવા ખરીદેલાં સાચા હીરાનાં બુટિયાં હતાં. એક તો બેગ ગઈ અને ઉપરથી પત્નીની ડાંટ પડી, ’તમે તો છે જ સાવ ગાલાવેલા, એક બેગ ન સાચવી શક્યા ’ ભાઈના મોઢે આવી ગયું, ‘આટલા વર્ષોથી તને સાચવી રહ્યો છું તે કંઇ કમ છે કે ’ જિંદગીના એ સાચુકલા નાટકમાં પછી આગળ શું થયું, તે ખબર નથી, પણ જે થયું તે કરુણ જ હશે.