પ્રકરણ ૩૦: શૌર્યનો માર્ગ સમય ક્યારેય થોભતો નથી, તે તો તેની અવિરત અને તેજ રફ્તારથી વહેતો રહે છે. વર્ષો વીતતા ગયા અને કેલેન્ડરના પાનાઓ સાથે શૌર્યના જીવનનું ઘડતર પણ થતું રહ્યું. બાળપણમાં પિતાની આંગળી પકડીને લદ્દાખની સાઈટો પર જે જિજ્ઞાસા જન્મી હતી, તે હવે એક મક્કમ લક્ષ્યમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. જે ઉંમરે સામાન્ય રીતે બાળકો પોતાના ભવિષ્યની દિશા વિશે અનિશ્ચિત હોય છે, મૂંઝવણમાં હોય છે કે કયો રસ્તો પસંદ કરવો, તે ઉંમરે શૌર્યએ પોતાનો માર્ગ માત્ર નક્કી જ નહોતો કર્યો, પણ તે માર્ગ પર ચાલવા માટેની માનસિક તૈયારી પણ કરી લીધી હતી. શાળાના અભ્યાસ દરમિયાન શૌર્ય હંમેશા મોખરે રહેતો.