જોધપુરની જેલ રણની વચ્ચે ઊભેલી એક કઠોર ઇમારત હતી. બહારથી જોતા તે માત્ર પથ્થરની દીવાલો જેવી લાગતી, પરંતુ અંદર રહેલા લોકો માટે તે દીવાલો માત્ર ઈંટ-પથ્થરની નહોતી તે ભય, દમન અને એકાંતની દીવાલો હતી.આદિત્ય અને તેના મિત્રો ત્યાં લાવવામાં આવ્યા ત્યારથી જ તેમને સમજાઈ ગયું હતું કે અહીં કાયદાની ભાષા કરતાં સત્તાની ઈચ્છા વધારે મહત્વ ધરાવે છે.એક સાંજ જેલના લાંબા કોરિડોરમાં ભારે બૂટોના અવાજ ગુંજ્યા. લોખંડના દરવાજા એક પછી એક ખૂલતા ગયા. ગાર્ડોએ આદિત્યને તેની કોઠરીમાંથી બહાર કાઢ્યો.તેને ફરી પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો હતો.રૂમમાં એક ટેબલ, બે ખુરશી અને એક પીળો બલ્બ હતો જે અજીબ પ્રકાશ ફેંકતો હતો.