અંતરની ઓથથી...ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે પાદરનો વડલો નથી. ગામડું એટલે હૈયાના ધબકારામાં છુપાયેલી એ અણકહી વાતો, જે ક્યારેક ગરીબીના ઉંબરે દબાઈ જાય છે તો ક્યારેક પરંપરાની મરજાદમાં ગૂંગળાઈ જાય છે. મારા આ વાર્તા સંગ્રહનું નામ ‘ગદરો’ રાખવા પાછળ એક જ હેતુ છે—વાસ્તવિકતાનો એ ભીનો સ્પર્શ જે આપણને ધરતી સાથે જોડી રાખે છે. 'ગદરો' એટલે ખેતરની એ ભીની માટી, જે પગમાં ચોંટે ત્યારે સંઘર્ષની યાદ અપાવે છે અને સુકાય ત્યારે આપણી હસ્તીનો ભાગ બની જાય છે.આ સંગ્રહની ૧૫ વાર્તાઓ કોઈ કલ્પનાની દુનિયામાંથી નથી આવી. આ વાર્તાઓ મેં એ સ્ત્રીઓની આંખમાં વાંચી છે જેઓ મેળામાં પોતાના ખોવાયેલા સપના