મધુકર પોતાની જાતથી શકય એટલી નવરાશ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ શું કરી શકાય? એ દિવસે જ ખુબ ભીડ હતી. બે વાગ્યા પછી થોડીવાર કાઉન્ટર બંધ કરી તો મધુકર લંચ કરી શક્યો. અરે યાર કેટલું કામ છે? આજે જમવાનું પણ માંડ નસીબ થયું. હજી એજન્ટો તો બાકી જ છે. મધુકર બબડે છે. જો મધુકર હવે તું વિચાર કર કે દસ દિવસ સરકાર બાબુના કેવા ગયા હશે? રસ્તોગી સાહેબ અચાનક જ સાંભળી જાય છે. એટલે જ કહ્યું છે કે દબાણ અથવા પ્રેશરને સંભાળતા શીખી જાવ. જેમ જેમ નોકરી કે પરિવારમાં આગળ વધશો તો જવાબદારી કે દબાણ ઓછું થવાની બદલે વધતું જ જશે.