હું દિકરાને લઈને ઘરે આવી. આખા રસ્તે મારા મગજમાં એક જ વિચાર હતો કે હવે આગળ શું થશે ? તમે નોકરી પરથી ઘરે આવી ગયા પછી મેં તમને બધી વાત કરી. મને કંઈ પણ સાચી સલાહ આપવાની કે વ્યવસ્થિત આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની તમે કોઈ જ વાત ન કરી. બસ એટલું કહી દીધું કે તારે જે કરવું હોય તે કર. ને તમે ફળિયામાં નીકળી ગયા. હું તમને જોતી જ રહી ગઈ. એક બાજુ તમે એમ કહેતા હતા કે મારે નોકરી તો કરવી જ પડશે. હવે જ્યારે નોકરી માટે હું તમારી પાસેથી કંઈક મદદ માગી રહી હતી તો તમે ચાલ્યા ગયા.