ભાગવત રહસ્ય - ૨૭૫ અદ્વૈત મત કે દ્વૈત મત –ગમે તે મતને માનો.પણ જીવ ઈશ્વરરૂપ છે,ઈશ્વરનો અંશ છે, અને માયા તેને બાંધે છે તે હકીકત છે.માયાને સત્ કે અસત્ કંઈ પણ કહી શકાતી નથી.મહાત્માઓ કહે છે કે-સ્વપ્નમાંથી જાગ્યા ના હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું લાગે છે,પણ જેવા સ્વપ્નમાંથી જાગ્યા -કે સ્વપ્ન અસત્ય છે.માયામાંથી પણ ના જાગો ત્યાં સુધી તે સત્ય જેવી અને જાગો એટલે તે અસત્ય છે.તેની જરૂર ખાત્રી થશે. આપણે બધા રાજાના (પરમાત્માના) દીકરા છીએ.માયા દાસી છે,તે દાસીને રાજાએ બાળકોને રમાડવા રાખી છે,બાળકો ને પજવવા માટે નહિ. જો દાસી બાળકને પજવે તો રાજા દાસીને રજા આપે.