અભિષેક પ્રકરણ 15 વીણા માસીએ ગંગા નદીના કિનારે ઘાટના પગથિયે બેસીને લોટે લોટે સ્નાન કરી દીધું. પાણી એટલું બધું ઠંડુ હતું કે હાથ પગ છાતી અને પીઠ ઉપર ગમે તેમ કરીને પાણી રેડ્યું પણ માથા ઉપર પાણી રેડવાની એમની હિંમત ચાલી નહીં. એમણે પાણીવાળો હાથ કરીને મ્હોં ઉપર અને માથાના વાળ ઉપર ફેરવી દીધો. "હે ગંગામૈયા. તારામાં ડૂબકી મારવાની મારી હવે હિંમત નથી. થોડું કર્યું ઘણું માનજે અને મારાં બધાં પાપ ધોઈ નાખજે. " માસી હથેળીમાં પાણી લઈને બોલ્યાં અને પછી એ પાણી ગંગામાં રેડી દીધું. એ પછી અભિષેક તરફ પીઠ રાખીને એમણે કપડાં બદલી દીધાં અને ઉપર શાલ પણ ઓઢી લીધી. એ દરમિયાન