' જનેતા 'લેખક :- વિક્રમ સોલંકી 'જનાબ' " બાપા, મારી માં મારી પાસે ક્યારે આવશે? બીજા મારાં જેવડા છોકરાવની માં તો હંમેશા એમની સાથે જ હોય છે. તો મારી માં મારી સાથે કેમ રહેતી નથી? " છ વર્ષના નાનકડા વિશાલે બાળ સહજ સવાલો કરીને શિવરાજભાઈને વિચલીત કરી નાખ્યાં. આજથી આઠ વર્ષ પૂર્વે એમનાં લગ્ન બાજુનાં જ ગામની વિમલા સાથે થયાં હતાં. સ્વભાવે શાંત અને ઘરરખ્ખુ વિમલાએ થોડાક જ સમયમાં શિવરાજની બધી ચિંતાઓ દૂર કરી દીધી હતી. ઘરકામ ઉપરાંત વિમલા શિવરાજને ખેતીકામમાં પણ ખૂબ મદદ કરતી હતી. તેમનું ગામ આદિવાસી વિસ્તારમાં આવેલું હોવાથી ગામમાં સુવિધાઓનો અભાવ હતો. ગામમાં દવાખાનું પણ નહોતું.