ભાગવત રહસ્ય - ૨૫૯ શકટા-સુર ચરિત્રનું રહસ્ય એવું છે-કે-મનુષ્યનું જીવન-એ –ગાડું છે,અને જો આ જીવન-ગાડાની નીચે પરમાત્માને રાખવામાં આવે તો-પરમાત્મા તે જીવન-ગાડાને ઠોકર મારશે, અને જીવન-ગાડું ઉંધુ પડી જશે.સામાન્ય રીતે જે વસ્તુ પ્રધાન (મુખ્ય) હોય તેને ઉપર રાખવામાં આવે છે અને ગૌણ વસ્તુને નીચે રાખવામાં આવે છે. પરમાત્મા એ મુખ્ય છે અને વિષયો તે ગૌણ છે,પણ જેના જીવનમાં વિષયો મુખ્ય હોય અને પરમાત્મા ગૌણ હોય તેનું ગાડું ઉંધુ પડે તો તેમાં શું આશ્ચર્ય ? જેના જીવનમાં પરમાત્મા ગૌણ થઇ જાય છે તેના જીવનમાં પૈસો મુખ્ય થઇ જાય છે. મહાત્માઓ કહે છે-કે-ગૃહસ્થાશ્રમ એ ગાડું છે,પતિ-પત્ની એ બે પૈડાં છે.