વહેલી પરોઢે જ્યારે સૂર્યનારાયણ રન્નાદેને સંધ્યાએ મળીયે કહીને ક્ષિતિજ પર જવાની તૈયારી કરતા હોય, ક્ષિતિજ પર સૂર્યનારાયણના આગમનને આવકારવા પૂર્વ દિશાના દિક્પાલે લોકધર્મના ભગવા રંગની રંગોળી પાથરી હોય અને એ ભગવા રંગ વચ્ચે ક્યાંક સફેદ અને ક્યાંક આછેરા શ્યામ વાદળો, એ આગમનને આવકારતા તોરણીયા બની ડોકતાં હોય અદ્દલ એવો જ રંગ વહેલી પરોઢથી મિથિલા નરેશ જનકરાજાના રાજદરબારમાં જામ્યો હતો. રાજદરબારમાં જ્યાં જુઓ ત્યાં ભગવા વસ્ત્રોવાળા, કોઈ સફેદ તો કોઈ કાળી દાઢીવાળા, રુદ્રાક્ષ કે તુલસીની માળા વાળા, કોઈ કમંડળ વાળા તો કોઈ ખપ્પર અને મંત્ર દંડ વાળા સાધુઓ અને ઋષિમુનિઓ અત્રે તત્રે સર્વત્રે વિરાજમાન હતા. મહારાજા જનકે બધાને વંદન કરી સન્માન પૂર્વક