ભાગવત રહસ્ય -૨૩૮ દશમ સ્કંધ એ શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદય છે.પરમાત્મા રસ-સ્વ-રૂપ છે. અને તેથી જીવ (આત્મા) પણ રસ-રૂપ છે.મનુષ્યને કોઈ ને કોઈ રસમાં રુચિ હોય છે,ભલે કોઈ પણ રસમાં રુચિ હોય પણ કૃષ્ણ-કથા આનંદ આપે છે.વિરહ કે પ્રેમમાં હૃદય આર્દ્ર બને છે-ત્યારે રસાનુભૂતિ (રસની અનુભૂતિ) થાય છે. સાધારણ રીતે જીવો ના ચાર ભેદ છે, પામર,વિષયી,મુમુક્ષુ,મુક્ત. અધર્મથી ધન કમાઈ ,અનીતિથી ભોગવે –એ પામર જીવ છે. ધર્મથી કમાઈ અને ઈન્દ્રિયસુખ ભોગવે તે વિષયી જીવ છે. સંસાર બંધનમાંથી છુટવાની ઈચ્છા રાખનાર તે મુમુક્ષુ જીવ છે. કનક અને કાન્તા રૂપ –“માયા” ના બંધનમાંથી છુટેલા અને પ્રભુમાં તન્મય થયેલા –તે મુક્ત જીવ છે.