૪૧ કરણરાયની આકાંક્ષા મહારાજ કરણરાય બાગલાણના અજિત દુર્ગમાં રહ્યા હતા એ વાત તો હવે ઘણાના જાણવામાં આવી ગઈ હતી. તુરુકને પણ એ ખબર પડી ગઈ હતી. તે જાણતો હતો કે કરણરાય બાગલાણમાં છે ત્યાં સુધી ગુજરાત ભરેલો અગ્નિ છે. એ તરફ આગળ વધવા માટે એણે પ્રયત્ન કરવા માંડ્યા હતા. દરમ્યાન ગુજરાતમાં પહેલો કામચલાઉ નાઝિમ નિમાયો હતો. હજી આવડો મોટો વિશાળ સમૃદ્ધ પ્રાંત કોને સોંપવો, તે નક્કી થયું ન હતું. બાદશાહના સાળા અલ્ફખાનનું નામ સંભળાતું હતું, પણ હજી એ આવ્યો ન હતો. એ આવવાનો હતો. એ મોટું બળવાન સૈન્ય લઈને આવે, અને ઠેકાણે ઠેકાણે થાણાં સ્થાપી જાય તે પહેલાં જ,