૩૯ બાગલાણને પંથે સોઢલજી બે પળમાં આવી પહોંચ્યો. તેને દૂરથી જ લાગ્યું કે કાંઈક થયું છે. એણે આવતાં જ ઝડપથી સાંઢણી ઝોકારી. ઊતરવાને બદલે એ ઉપરથી કૂદી પડ્યો. ચાલવાને બદલે દોડતો હોય તેવી રીતે એ વડ પાસે આવ્યો, એ આવ્યો અને એણે જે દ્રશ્ય ત્યાં જોયું, એ દ્રશ્ય જોઇને જેમ વીજળી પડવાથી માણસ ઠૂંઠું બની જાય તેમ એ સંજ્ઞાહીન ઠૂંઠું થઇ ગયો! પહેલાં તો એ કાંઈ સમજ્યો નહિ. સમજતાં વાર લાગી. પછી એ સમજ્યો. મહારાણી જેવા મહારાણીબા છેક આંહીં સુધી પહોંચીને, મહારાજનો સાથ છોડી ચાલી નીકળ્યાં હતાં. તેને શું બોલવું તે સૂઝ્યું નહિ. તે પછી મૂઢ જેવો થઇ ગયો.