૩૫ અણધારી મદદ! સોઢલજીની વ્યથાનો કોઈ અંત ન હતો. તેણે કાંધલ દેવડાને તો જતો જોયો. કદાચ કોઈ વાત જાગે એવી આશા પ્રગટી. સાંજ સુધી એ પાછો દેખાયો નહિ. એ પોતે પણ સાંજે એની પાછળ પાછળ જવા માટે સાંઢણી ઉપર ઊપડ્યો. અંધારામાં એક ઠેકાણે સાંઢણી ઊભી રાખી. ત્યાં એક મોટી શિલા પડી હતી, એના ઉપર એ બેઠો. કાંધલજી હવે તો સમાચાર લઈને પાછા ફરવા જોઈએ. પાછા ફરતાં ત્યાંથી જ નીકળવું પડે તેમ હતું. અંધારામાં એ એકલો પોતાની વ્યથામાં પોતે શેકાઈ જતો હતો. બેઠો બેઠો એ વિચાર કરી રહ્યો. પાટણ ઉપર કેવી થઇ હતી? પાટણ રોળાઈ ગયું અને તે બધાના દેખતાં.