રાય કરણ ઘેલો - ભાગ 24

૨૪ મરણિયા જુદ્ધનો નિર્ણય બત્તડદેવે મહુડાસામાં જે હવા ઊભી કરી હતી, તેની કસોટીને બહુ વાર ન હતી. માધવ ગયા પછી થોડા દિવસે બત્તડદેવને સમાચાર મળ્યા. સુરત્રાણનું સેન ડુંગરપુરમાં આવી રહ્યું છે. આનો અર્થ સ્પષ્ટ હતો. મેદપાટે રસ્તો આપી દીધો હતો. એટલામાં તો સરહદ ઉપરનાં ચોકીદારો પણ ઉતાવળા દોડતા આવ્યા. બત્તડદેવે તરત માધવ મહેતાને પાટણમાં સમાચાર મોકલ્યા. ત્યાંથી થોડા સૈનિકો આવ્યા, પણ સાગરની સામે પોતાના થોડાક મરણિયાના બળથી ઝૂઝવાનું હતું. બત્તડદેવ એને માટે તૈયાર હતો. તેણે કિલ્લો બરાબર સમરાવી લીધો. બુરજે બુરજે માણસો મૂકી દીધાં. દરેક દરવાજે રાતદીની ખડી ચોકી રાખી દીધી. ખાઈમાં પાણી વહેતાં કર્યાં. રેતીના કોથળાઓ ગઢમાં ખડકી દેવરાવ્યા.