૨૩ એકલવીર! માધવ પવનવેગે પાછો ફરી રહ્યો હતો. તેના ઉપર નિષ્ફળતાની કાલિમા લટકતી હતી. પણ તે સૌને વેળાસર ચેતાવી દેવા માગતો હતો. સુરત્રાણ તીડનાં ટોળાં જેટલું સેન લઈને આવશે એ ચોક્કસ હતું. ઉલૂગખાન ને મલેક નુસરતખાન એની પાછળ જ નીકળવાના એ નક્કી હતું. એણે અજયગઢ આબુનો પંથ લીધો હતો. પણ ત્યાંથી ફંટાઈને એ મુહડાસા તરફ જવા નીકળ્યો, એ ત્યાંના દુર્ગપતિને ચેતાવી દેવા માગતો હતો. માધવ મજલ દરમજલ કરતો ઝડપથી મુહડાસા પહોંચ્યો. મુહડાસાના બત્તડદેવને પોતાના બળ ઉપર ઘણો વિશ્વાસ લાગ્યો. માધવે વિચાર્યું કે જો બધાને ભડકાવવામાં આવશે, તો પાટણના કિલ્લામાં માણસો સમાશે નહિ. પણ દિલ્હીનો આ તુરુષ્ક બાદશાહ જેવોતેવો નથી