૮ છેલ્લી સવારી કેટલીક વખત માણસને, નગરને કે દેશને સ્વપ્ને પણ ખ્યાલ હોતો નથી કે જે ભવ્ય મહોત્સવ એ જોઈ રહેલ છે, તે એને માટે છેલ્લો મહોત્સવ છે, છેલ્લો! ત્યાર પછી એવો પ્રસંગ એને ત્યાં કોઈ દિવસ આવવાનો નથી. પાટણ નગરીને પણ ખ્યાલ ન હતો. પ્રભાતમાં જ્યારે પાટણનું ચતુરંગી વિજયકટક સહસ્ત્રલિંગ સરોવરના મેદાનમાં ખડું ઊભું રહ્યું, સેંકડોની હાથીસેના ત્યાં આવી, હજારો ઘોડેસવારની હેવળથી ધરતી ગાજી ઊઠી. રણશિંગા ફૂંકાયા, શંખનાદ ઊપડ્યા, તૂરી, ભેરી, નોબત, ઢોલ, ત્રાંસા, શરણાઈઓ જાગી જ્યારે ચારણ ભાટ, બંદીજનોએ મહારાણી નાયિકાદેવીની રણકથા ઉપાડી. મહમ્મદને ઊભી પૂંછડીએ આબુની પહાડમાળામાંથી કાઢી મૂક્યો હતો એની રણગીતાવલિ હવામાં બેઠી થઇ, ત્યારે