ફરજ નિભાવવી

  • 13.2k
  • 3
  • 4.1k

"શું આખો દિવસ લેપટોપ સાથે ચોંટેલી રહીશ? અમારી પેટપૂજાનો કોઈ પ્રબંધ કરવાનો વિચાર છે કે નહીં?" જ્યારે સાસુના મહેણાં ટોણા કાને અથડાયા, તો માલતીએ તરત ઓફિસનું કામ બંધ કરતા, ઉભા થઈને નરમાશથી જવાબ આપ્યો, "રસોઈ બધી તૈયાર છે માજી, તમે કહેશો ત્યારે ગરમ રોટલી ઉતારી આપીશ." ટેવ મુજબ સરલાબેન એમની પુત્રવધુ પર ફરી વરસી પડ્યા. "બહુ વધારે પ્રેમ દર્શાવાની જરૂર નથી! પેટમાં ઉંદર દોડી રહ્યા છે, જલ્દી જમવાનું કાઢ." સરલાબેન અને એના દીકરા મહેશને પુત્રવધુ એવી જોઈતી હતી જે પૈસા કમાવીને લાવે, આજ્ઞાકારી હોય અને ઘરની બધી જવાબદારી પણ ઉપાડે. ખરેખર એમના નસીબ ખૂબ જ સારા હતા, કે એમને માલતી જેવી ગુણવંતી છોકરી મળી, જે એમની અપેક્ષા કરતા વધુ સારી હતી. મહેશ એની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને એને તેની કદર પણ હતી. પરંતુ સરલાબેન જુનવાણી વિચારોના હતા. એમનું માનવું હતું, કે પુત્રવધુના વખાણ કરો, તો તે માથે ચડી જાય. આવી ધારણા રાખતા, તે કયારેય માલતી સાથે સીધા મોઢે વાત નહોતા કરતા. એકલા મહેશની મમ્મી સામે કાંઈ નહોતી ચાલતી, પણ જયારે તેની નાની બહેન, મધુ સાસરેથી પિયર આવતી, તો બન્ને ભાઈ બહેન મળીને સરલાબેનને સમજાવવાનો પ્રયત્ન કરતા. "મમ્મી, તું નસીબદાર છે, કે ભાભી આટલી સુશીલ અને શાંત સ્વભાવની છે. એની સાથે જરાક તો પ્રેમથી વાત કર." "તમે બન્ને જણા તમારું કામ કરો. મને શિખામણ આપવાની જરૂર નથી. મને ખબર છે મારે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ." સમય વીતતો ગયો. ન સરલાબેનની વર્તણુકમાં કોઈ ફરક આવ્યો, ન માલતીના સંસ્કારી વ્યવહારમાં. મહેશ એનો ખૂબ આભારી હતો અને ઘણી વાર એની પ્રશંસા કરતો. "તું ધન્ય છે માલતી. મમ્મીના વ્યંગાત્મક ટિપ્પણીઓ કેવી રીતે સહન કરે છે?" "મમ્મી ભલે કાંઈ પણ કરે, હું મારી ફરજમાંથી નથી ચૂકવા માંગતી. આખરે તો માં છે. આજ નહીં તો કાલ, નરમ પડશે." અને પછી સમયએ પોતાનો રંગ દેખાડ્યો. સરલાબેન બીમાર પડ્યા, અને એવા બીમાર પડ્યા કે પથારીવશ થઈ ગયા. દરેક નાની મોટી વસ્તુ માટે માલતી ઉપર નિર્ભર રહેવું પડતું હતું. ખૂબ અહમ ઘવાતો. દીકરી મધુને આગ્રહ કર્યો કે તે આવીને એમની પાસે રહે. પણ એણે સાફ ના પાડી દીધી. "સોરી મમ્મી. હું મારા સાસરિયાની જવાબદારીઓ મૂકીને અહીંયા તારી પાસે ન રહી શકું." જતા પહેલા, મધુએ માલતીનો હાથ પકડીને, ભીની આંખે આજીજી કરી. "હું તમારા મનની વ્યથા સમજી શકું છું ભાભી. તમને મમ્મી ઉપર ઘણો ગુસ્સો હશે. પરંતુ, હમણાં એમને ફક્ત તમારો જ આશરો છે." માલતીએ નણંદને ગળે લગાડીને કહ્યું, "આ તમે કેવી વાત કરો છો! મને એમના પર કોઈ ગુસ્સો નથી, બસ ક્યારેક ક્યારેક દુઃખ થાય છે. પરંતુ, એ મારા પણ મમ્મી છે. તમે ચિંતામુક્ત થઈને જાવ. હું એમનું પૂરું ધ્યાન રાખીશ." માલતીની પ્રેમાળ અને નિસ્વાર્થ દિવસરાતની સેવા સામે સરલાબેનનું કઠોળ હૃદય આખરે મીણ ની જેમ ઓગળી ગયું. તેની સાથે કરેલા વ્યવહારથી તે પોતે લજ્જાઈ ગયા. એકલા રાતના અંધારામાં રડતા, ખૂબ પસ્તાવો થતો. પણ કબૂલ કેવી રીતે કરે? એક સાંજે જયારે માલતી એમના પગ ઉપર માલીશ કરી રહી હતી, ત્યારે સરલાબેનથી ન રહેવાયું અને માલતીનો હાથ પકડતા બોલ્યા. "તું કઈ માટીની બનેલી છો? જો મારી સાસુ, મારા જેવી હોત, તો હું માન, મર્યાદા, ફરજ, બધું ભૂલીને એને મુતોડ જવાબ આપતે." માલતી થોડીક વાર માટે દંગ રહી ગઈ અને એની આંખમાં આંસુ આવી ગયા. સરલાબેનએ પહેલીવાર એવું કાંઈક કર્યું, જે એમણે પોતે પણ સપનામાં નહીં વિચાર્યું હોય. એમણે માલતીને બાથમાં લઈ લીધી. "બેટા, હું તારી માં ન બની શકી. પણ તું તારી એકેય ફરજમાંથી ન ચુકી, અને દીકરી કરતા વિશેષ મારુ ધ્યાન રાખ્યું." પછી તો સાસુ વહુનો સંબંધ એવો બની ગયો, કે દુનિયા ઉદાહરણ આપવા લાગી. શમીમ મર્ચન્ટ, મુંબઈ ___________________________________ Shades Of Simplicity This