** આથમતા સૂરજના સથવારે... ** સાબરમતી નદીના કિનારાને અડીને આવેલ એક નાનકડા ગામમાં દિવાળીના બે દિવસ અગાઉ પ્રભાભાઈ પટેલના ખોરડાની બાજુમાં આવેલ ચોગાનમા ત્રણ લક્ઝુરિયસ ગાડી પાર્ક થયેલી હતી. સંધ્યા રાણીએ ધીમા પગલે અવનિ પર આવી પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. આસો વદ તેરસની (ધન તેરસ) રાત હતી. ખાસો અંધકાર હતો. કોઈકના ઘરે એક કે બે દિવડા ટમટમી રહ્યા હતા. વાતાવરણમાં બાફ હતો તેમ છતાં સાબરમતી નદી પરથી આવતો પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવવા મહેનત કરી રહ્યો હતો. ચોગાનની વચ્ચોવચ એક લોખંડનો પલંગ હતો અને તેની આજુબાજુ છ સાત પ્લાસ્ટિકની ખુરશીઓ પડી હતી. પલંગ પર આશરે પંચોતેર વર્ષના પ્રભાભાઈ સૂતેલા હતા.