એમ કાંઈ થોડું ચાલે!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-18) ઘરનાં બારીબારણાંમાં થોડું સમારકામ કરાવવાનું હતું. તે માટે એક સુથારને બોલાવેલ. તેણે કહ્યું, ‘‘સ્ટોપર અને મિજાગરા બદલવા પડશે.'' મેં તે માટે તૈયારી બતાવી. એટલે તેણે મને એક કારખાનાનું સરનામું આપીને કહ્યું, ‘‘દુકાન કરતાં અહીં સસ્તું મળશે.'' દરેક માણસ સસ્તા માટે દોડતો હોય છે. હું પણ એ સાંભળીને હરખાયો. ત્યાં જવા માટે નીકળી પડયો. કારખાનાવાળા વિસ્તારનો બહુ અનુભવ નહિ. એટલે શોધવામાં થોડી તકલીફ પડી. પણ પહોંચી તો ગયો જ. કારખાનું ઘણું મોટું હતું. ઘણા માણસો કામ કરતા હતા. આગળ તેનું કાર્યાલય હતું. વાતાનુકૂલિતયંત્ર વડે કાર્યાલય ઠંડકવાળું હતું.