પૂરાં ત્રણ મહિનાનાં પિયરનાં વસવાટ બાદ પોતાની સ્થૂળતામાં થોડો વધારો કરી સૂર સાથે પાછી ફરેલી સૌમ્યાનું સ્વાગત ઉઘડતા દરવાજે કામ્યાએ કરેલું. સૌમ્યા પોતાનાં ઘરમાં કામ્યાને જોઈ મૂઢ બની ગયેલી. અંદરખાનેથી એના હૈયે ઊંડો ધ્રાસ્કો પડેલો. આખો દિવસ ઘરમાં ધુંધવાતી - અકળાતી ફરી રહેલી સૌમ્યા, કામ્યા સાથે એક શબ્દ ન બોલી હતી. ઘરમાં દરેક જગ્યાએ એને કામ્યાનો સ્પર્શ દેખાઈ રહેલો. એ ગૂંગળામણ અનુભવી રહી.