કોણ છે આ કૃષ્ણ? ભગવાન, અંતર્યામી?. ના. મારાં અંતર્મન માં કૃષ્ણની એક અલગ જ છબી છે. મારો કાનો ભગવાનતા ના ભાર નીચે કચડાઈ નથી ગયો. મારી પાસેથી એને પુજ્યભાવ નથી જોઈતો. કૃષ્ણ એટલે સંપૂર્ણ સ્વીકાર. કાનાને તમે જે રૂપમાં જોશો એનો એ સ્વીકાર કરશે. કોઈનો કૃષ્ણ બાળ ગોપાલ તો કોઈનો કૃષ્ણ કંસ નો સંહારક. કોઈનો કૃષ્ણ સખા તો કોઈનો કૃષ્ણ અર્જુન નો વિષાદ દૂર કરનાર યોગી. એ એટલો પૂર્ણ પુરુષ છે કે આ બધી જ ભૂમિકાઓ માં વહેંચાયા પછી પણ દરેક માં તે સંપૂર્ણ છે. કોઈ કૃષ્ણ ને પ્રેમી તરીકે પામે તો બીજાનો સખા કૃષ્ણ એટલા અંશે અપૂર્ણ નથી રહેતો.