સંબંધ નામે અજવાળું - 24

(17)
  • 4.2k
  • 2
  • 1.2k

ઉંમરમાં અને ઘરના ઉંબરમાં દીકરાનું વીસમું વર્ષ બેઠું હતું. ઓણસાલ તો પટેલે દીકરાના લગન કરી નાખવાનું નક્કી કરેલું. ઈ હરખમાં અને હરખમાં પટલાણીએ મેડીવાળા મકાનની પશીતને ત્રણવાર ગાર્ય અને ચૂનાથી ધોળેલી. નીસરણીના છેલ્લા ઉપરના ભાગ સુધી પહોંચીને પટલાણીએ હાથ લાંબો થાય ત્યાં સુધી હાથ લાંબો કરી કરીને ગાર્યમાં પાંચ આંગળીયુંના ભાતની અંકોળીયો કરેલી. મેડાવાળા ઉપરના ઓરડામાંથી વધારાનો સામાન ડેલીમાં નીચેના ઓરડીમાં ફેરવાઈ ગયો હતો. પટલાણી મેડીએ ચડીને આભની છાતીએ હડીયું કાઢતા કાળા ડિબાંગ વાદળાઓને જોતા અને મનમાં હરખાતા.