માર્ચના પહેલા અઠવાડિયામાં હવામાનમાં ફેરાફાર થયો. હજી ખૂબ ગરમી પડતી હતા. બીજી માર્ચે ગર્જનાઓ સંભળાઈ, પૂર્વમાંથી પવન ફૂંકાવા લાગ્યો, અને તડતડ અવાજ સાથે કરાનો વરસાદ પડવા લાગ્યો. ગ્રેનાઈટ હાઉસનાં બારીબારણાં તરત જ બંધ કરી દેવામાં આવ્યાં. કોઈ કોઈ કરા કબૂરતમાં ઈંડાં જેવડા હતા. ખલાસીને ઘઉંના ખેતરની ચિંતા થઈ. તે દોડતો દોડતો ખેતરે પહોંચી ગયો. ત્યાં જઈને તેણે ઘઉંની ઉંબીઓ ઉપર્ મોટું કપડું ઢાંકી દીધું. આવું ખરાબ હવામાન એકાદ અઠવાડિયા સુધી ચાલ્યું. તે દરમિયાન આકાશમાં આંધી અને ગર્જનાના અવાજો સંભળાયા કરતા.