બીજે દિવસે, સાતમી મેંએ, હાર્ડિંગ અને સ્પિલેટ સરોવરના ઉચ્ચપ્રદેશ પર ચડ્યા. જયારે નેબ નાસ્તો કરવામાં રોકાયો. હર્બર્ટ અને પેનક્રોફટ લાકડા લેવા ગયા. ઈજનેર અને ખબરપત્રી સરોવરની પાળે પહોંચ્યા. અહીં ડ્યુગોંગનું મડદું પડ્યું હતું. પક્ષીઓનાં ટોળે ટોળાં તેના માંસની ઉજાણી કરતાં હતાં. તેમને પથ્થર મારીને દૂર ભગાડવા પડ્યા. કપ્તાન ડ્યુગોંગની ચરબીનો ઉપયોગ કરવા માંગતો હતો. ડ્યુગોંગનું માંસ ખોરાકમાં વાપરી શકાય તેમ હતું.