ગોધરાકાંડ અને ત્યાર પછીનાં તોફાનોની વાત લખતાં લખતાં મને લાગ્યું કે હું ક્યાં પૂર્ણવિરામ મૂકું પછી મને લાગ્યું છે ગોધરાકાંડથી લઇ ત્યારપછી જે તોફાનો ચાલ્યા તેનો અંત ભલે બાહ્યદ્રષ્ટિએ આવ્યો હોય પણ જેમણે તોફાનોમાં પોતાના સ્વજનો અને મિલકતો ગુમાવી છે તેમના મનમાં અને જીવનમાં ક્યારેય આ વાતનો અંત આવવાનો નથી, અને તે સ્વાભાવિક પણ છે. જેણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોય તેની સામે ડાહી-ડાહી વાતો કરવાનો અર્થ પણ નહોતો, છતાં મારું મન એ દિશામાં સતત વિચાર્યા કરે છે કે ક્યારે મારુ ગુજરાત કોમી તોફાનોથી મુક્તિ મેળવશે. ગોધરાકાંડની ઘટના બની ત્યારે જેમની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષ હતી તેમણે ૧૯૬૯ના તોફાનો જોયા હતા અને ત્યારપછી દર દસ વર્ષે અમદાવાદમાં તોફાનો થતાં રહ્યાં હતાં. તેના કારણે તે હિન્દુ હોય કે મુસ્લિમ તેમના મનમાં સતત કડવાશ હતી.