The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
‘ધૂમકેતુ’ નામ સાંભળીએ એટલે દિલો-દિમાગમાં એટલે પ્રફુલ્લતા આવી જાય. એ પ્રફૂલ્લતાને સાકાર કરતુ પુસ્તક એટલે “ધૂમકેતુના વાર્તારત્નો”. ધૂમકેતુએ લખેલી વાર્તાઓમાંથી પસંદ કરેલી ૨૫ વાર્તાઓનો આ સંગ્રહ છે. પુસ્તકની શરૂઆત, વર્ષોથી સેવા નિષ્કામ સેવા આપતા અને રંગપુર સ્ટેશનના ક્રોસિંગ પર ફરજ બજાવતા ભૈયાદાદાની હ્રદયદ્રાવક વાર્તાથી થાય છે. નવા અધિકારીઓ આવીને સ્ટેશનના અધિકારીને ૨૫ વરસથી ફરજ બજાવતા ભૈયાદાદાને નોકરી છોડવાનું કહેવા મોકલે છે. પરંતુ અધિકારી વિનાયકરાવ તે કરવાનું ટાળે છે અને પોતાનું રાજીનામું રજુ કરવાનું નક્કી કરે છે. પરંતુ સંજોગો જોતા એ રાજીનામું મુકતા નથી અને ભૈયાદાદાને નિર્ણયની જાણ કરે છે. ભૈયાદાદાની પગ નીચેથી જમીન સરકી જાય છે . વર્ષોથી ફરજ બજાવતા હોવા છતાં તેઓને જયારે પોતાના સ્વર્ગસમા વાતાવરણને છોડીને જતા રહેવાનું કહેવાનું આવે છે ત્યારે તેમનાથી રહેવાતું નથી અને આખરે પોતાનું જીવન ટૂંકાવીને નોકરી છોડવાનો નિર્ધાર કરે છે. વાર્તાના અંત સુધી પહોંચતા જ જાણે વાચક પોતે ભૈયાદાદાની પડખે ઉભો હોય તેવો અનુભવ થાય છે. પુસ્તકમાં બીજી વાર્તા છે-ભીખુ. ભીખુ વાર્તામાં એક ભિખારી પરિવારની વ્યથા દર્શાવતી કહાની છે. એક માં પોતાના બાળકોને કેવી રીતે ફોસલાવીને ભૂખ્યા પેટે દિવસો પસાર કરાવે છે. અને બીજી બાજુ એક મોટો ભાઈ તેની માં ને અને પોતાના નાના ભાંડુઓને ખુશ કરવા ‘પોતે જમી લીધું છે’ એવું બહાનું બનાવી પોતાના પરિવારને પોષે છે. એજ રીતે “દોસ્તી” નામની વાર્તામાં પોતાની સાચી દોસ્તી નિભાવવા પોતાના દીકરાની બલી આપી દેનારા બે લંગોટિયા ભાઈબંધની વાત છે. એકબીજાના સારા નરસા સમયમાં મદદ કર્યા પછી, જયારે પારિવારિક પ્રશ્ન ઉભો થાય છે અને ભાઈબંધની પુત્રવધુ તેના દીકરાના માથાને ધડથી અલગ કરી દે છે, છતાં બેઉ જણ પરિસ્થિતિને સમજી સંબંધ જાળવી રાખે છે. ‘રતિનો શાપ’ નામની વાર્તા ખુબ જ રસપ્રદ છે. જયારે દાનવોનો ત્રાસ વધી જાય છે ત્યારે દેવો ઘણાબધા પ્રયત્નો છતાં તેઓને રોકી શકતા નથી. આખરે બ્રહ્મદેવને ભગવાન શંકર યાદ આવે છે. પરંતુ શંકર ધ્યાનમાં હોય છે એટલે તેમનું ધ્યાન ભંગ કરવા માટે દેવો પ્રયત્ન કરે છે પરંતુ તેઓ નિષ્ફળ જાય છે અને આખરે કામદેવને આ કામ સોપવામાં આવે છે. કામદેવ અને રતિને જયારે આ વાત કરવામાં આવે છે ત્યારે કામદેવની પત્ની રતિ વિરોધ કરે છે, પરંતુ કામદેવ સ્વીકાર કરે છે. પોતાની ભોમ માટે બલિદાન આપવા માટે કામદેવ તૈયાર થાય છે અને બીજી બાજુ રતિ કોપાયમાન થાય છે. આખરે જયારે શંકર કામદેવને પોતાનું ધ્યાન ભંગ કરવા બદલ ભસ્મ કરી દે છે ત્યારે રતિ બ્રહ્મદેવને શાપ આપે છે કે ‘બ્રહ્મદેવ! આ રતિનો શાપ છે કે તું કલ્પનાની- રસની-કલાની સર્જનની મૂર્ત ઘડનારો, દેવ જેવો મનુષ્ય એક હજાર વર્ષે માંડ એક આપી શકશે. તારી ગરીબીથી તું શરમાયા કરજે’. એજ રીતે પુસ્તકમાં –કલ્પનાની મૂર્તિઓ, કેસરીદળનો નાયક, સ્ત્રીહૃદય, માછીમારનું ગીત, એક પ્રસંગચિત્ર , બિંદુ-કે જેમાં એક સ્ત્રીના પોતાના પતિ અને પહેલાની પત્નીથી થયેલ દીકરાઓ પ્રત્યેનો અવિરત પ્રેમ દર્શાવ્યો છે, ખરેખર વાંચવા જેવી છે. વળી સાથે સાથે હસાવીને લોટપોટ કરતી વાર્તા- ‘હતા ત્યાં ને ત્યાં’ છે જેમાં માસ્તરમાંથી ઇન્સ્પેક્ટર બનેલા મીઠારામની રસપ્રદ કહાની છે. એજ રીતે આપણને હચમચાવી નાંખે તેવી વાર્તા એટલે ‘મૂંગો ગૂંગો’. આમ, કોઈ મને વ્યક્તિગત પૂછે તો હું કહીશ કે ‘ધૂમકેતુના વાર્તારત્નો’ ન હોય તો વસાવીને પણ અચૂક વાંચવા જેવું પુસ્તક છે. પુસ્તક વાર્તામાં જકડી રાખવાની સાથે-સાથે આપણને જીવનના કેટલાક મુલ્યો પણ શીખવી જાય છે. --અન્ય પાલનપુરી #loveforbooks #anyapalanpuri
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser