Quotes by Archana Majmudar in Bitesapp read free

Archana Majmudar

Archana Majmudar

@archanamajmudar8947


નાની હતી
ખૂબ બોલતી
મા ટોકતી
ચૂપ રહે,
નાનાં છોકરાં બહુ ના બોલે!
કિશોરી બની
તોળીને બોલતી
છતાં મા કહેતી
ચૂપ રહે,
હવે તું નાની નથી!
યુવતી બની
મોં ખોલું
ત્યાં મા ઠપકારતી
ચૂપ રહે,
પારકા ઘરે જવાનું છે!
નોકરી કરવા ગઈ
સાચું બોલવા ગઈ
બોસ બોલ્યા
ચૂપ રહો,
માત્ર કામમાં ધ્યાન આપો!
પુત્રવધૂ બની
બોલવા જાઉં
તો સાસુ ટપારતી
ચૂપ રહે,
આ તારું પિયર નથી!
ગૃહિણી બની
પતિને કાંઈ કહેવા જાઉં
પતિ ગુસ્સે થતો
ચૂપ રહે,
તને શું ખબર પડે!
માતા બની
બાળકોને કાંઈ કહેવા જાઉં
તો તે કહેતા
ચૂપ રહે,
તને એ નહીં સમજાય!
જીવનની સાંજ પડી
બે બોલ બોલવા ગઈ
સૌ કહે
ચૂપ રહો,
બધામાં માથું ના મારો!
વૃદ્ધા બની
મોં ખોલવા ગઈ
સંતાનો કહે
ચૂપ રહે,
હવે શાંતિથી જીવ!
બસ........
આ ચૂપકીદીમાં
અંતરના ઊંડાણમાં
ઘણુંય સંઘરાયું છે
એ સઘળું
શબ્દોમાંઉજાગર કરવા જાઉં
ત્યાંસામે યમરાજા દેખાયા
તેણે આદેશઆપ્યો
ચૂપ રહે,
તારો અંત આવી ગયો!!
હું ચૂપ થઈ ગઈ
હંમેશ માટે!!!!!!!!

Read More