અગાસી.....
મારા ઘરનો વૈભવી હિસ્સો..
રોજ સૂર્યનારાયણના બેસણા
કાયદેસર દરબાર ભરાતો...
સૂર્યના દરબારે
મોર પોપટ હોલો હાજરી પૂરાવતા
ચકલી ને પારેવાંતો કાયમી રહેવાસી..
ક્યારેક ઉડી આવતા સમડી ને ગીધ
થોડો પોરો ખાય વળી ઉડતાં..
હુપા હુપથી શેરી ગજવતા આવતા
હનુમાનના વારસ...
અગાસી મારી સૌને રક્ષતિ
પાપડ વડી અથાણાં મસાલા
કાતરી સમુહમાં બનતી..
એ સમયે અગાસીનો દબદબો રહેતો
અગાસી મારી શેરીમાં સૌથી ઊંચી.
વાર તહેવારે શેરીની બહેનો આવતી
ગરબા ને અંતાક્ષરીની મહેફિલ સજતી..
પૂનમનો ચાંદ અગાસીએ ઉતરતો
ચાંદની ઝળહળ થાતી..
ઉનાળે ઓઢવા પાથરવાના સાથે
રાત ત્યાં તારલા સંગ ગુજરતી..
આસપાસનું દ્રશ્ય મનોરમ્ય..
અગાસીએથી ગામ આખું દેખી.
મન કાયમ હરખાતું
કોઈને કહેતા નહીં..
તો એક રાજ કહું..
સંતાકુકરી રમતાં ત્યારે
એ છુપાવાનું ઠેકાણું..
હા! રીષ ચડતી ત્યારે
રીસાય અગાસીએ છુપાતા...
વેકેશનમાં પિતરાઇ સાથે
પતંગબાજી અને રમતો રમતાં..
આજ આ બહુમાળી મકાનોમાં
અગાસી છે.
બસ આ યાદોમાં ઉમેરો જ નથી..
ક્યાં ખોવાયું સઘળું....©
"કાજલ"
કિરણ પિયુષ શાહ